ઉનાળાનું વેકેશન જરા જુદી રીતે પસાર કરીએ


ગુજરાતમાં ગરમી હવે તેની ચરમસીમાએ છે. સમય જતાં ઉનાળો આકરો થતો જાય છે. વેકેશન પડ્યું એટલે સહુ ફરવા જવાનું અથવા જે રોજિંદા જીવનમાં ના થઈ શકે તેવા કાર્યક્રમો ગોઠવવામાં વ્યસ્ત બની ગયા હશો. બાળકો અને તેમની સાથે માતા-પિતા પણ બહાર ગામ જવા વેકેશનનો  ઉપયોગ કરે છે, અને એ સ્વાભાવિક છે. તેમ છતાં ઘણા પરિવારો અનેક અગવડતાના કારણે બહાર ગામ જઇ શકતા નથી. અહી વેકેશનમાં બહારગામ જવાના બદલે શું કરી શકાય તે અંગે સૂચન અથવા કહો કે પર્યાય ચર્ચ્યા છે. આશા છે કે કોઈકના ઉપયોગમાં આવશે. માતા-પિતા જાણતા બધુ હોય છે પણ ઘણી વખત આળસ અથવા વધુ વ્યસ્તતામાં અમલમાં મૂકવાથી ચૂકી જવાય છે. આ વખતે આવું કરશો તો તમારા બાળકના ઘડતરમાં રચનાત્મક સહાયતા થશે.

આ વેકેશનમાં બાળકો સાથે રહી થોડું જુદું કરો.  જેમકે ...

તેમને નજીકની બેંકમાં લઇ જાઓ અને સમજાવો ATM કઈ રીતે કામ કરે છે? બેંક શું છે?

તેમને અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ લઇ જાઓ. તેમને સમજાશે અનાથની સરખામણીએ તેમને કેટલી સગવડતા મળી છે. વૃદ્ધોને પડતી તકલીફ જોઈ તેમની માનસિકતા બદલાશે. બીજાને મદદ કરવાની ભાવના કેળવાશે.

નાના રોપા/ છોડ લાવી આપો અને કહો બેટા હવે આને વાવવાની તેમજ મોટું કરવાની જવાબદારી તારી છે. તેના લાભ તેમને સમજાવો. દરરોજ કાળજી લેવાની થતી હોવાથી નિયમિતતા કેળવાશે, પર્યાવરણ પ્રત્યે લગાવ વધશે.

તેમની હાજરીમાંજ રક્ત-દાન (Blood Donation) કરો. તેના ઉપયોગ અને ફાયદા સમજાવો. તેનાથી બીજા માટે કૈક કરવાની ભાવના જાગૃત થશે.

તેમને  સરકારી હોસ્પિટલમાં લઇ જાઓ. બતાવો લોકો કેવી પીડા ભોગવે છે. શક્ય હોય તો શક્તિ પ્રમાણે દર્દીઓને ફળો આપો. તેમને સમજાશે કે લાપરવાહીથી વાહન ચલાવવાથી, ઝગડો કરવાથી કે અન્ય કોઈ રીતે ઈજા પહોચે તો કેટલું દર્દ સહન કરવું પડે છે.

તેમને નજીક ની પોલીસ ચોકી પર લઇ જાઓ. સમજાવો કે પોલીસ શું છે, તે કેવી રીતે મદદ કરે છે. ગુનો કરવાથી મળતી સજા કે શિક્ષાથી પણ માહિતગાર કરો. વર્તન પ્રત્યેની સજાગતા વધશે.

વતનમાં રહેતા વડીલો પાસે લઇ જાઓ. (જો બા-દાદા વતન માં રહેતા હોય તો તેમની સાથેનો લગાવ અને સંબંધ જળવાઈ રહેશે)

ક્યારેક રાત્રે અગાશી પર કે ખુલ્લા આકાશ નીચે તેમની સાથે સૂવો, બાળકોને આકાશ, તારા, સ્પેસ સાયન્સવગેરે વિષે વાત કરો. તેમની કુતૂહલતામાં વધારો થશે અને નવું વિચારવાની અને કરવાની ભાવના જાગૃત થશે. 

ખુલ્લી હવામાં - બગીચામાં - અગાશી પર ....... એકાંતમાં તેમની સાથે સમય પસાર કરો અને તેમની ભાવના સમજવાનો પ્રયત્ન કરો. તેમના દિલની વાત તેઓ જરૂર કરશે જે તમે વ્યસ્ત જીવનમાં નથી જાણી શક્યા. તેમની આ ભાવના / ઈચ્છાઓને યોગ્ય વળાંક આપો. આ ઉપરાંત પણ આપ આવા અનેક નવીન સકારાત્મક રસ્તા જાતે ય શોધી શકશો જે તમારા બાળકના સર્વાંગી વિકાસમાં સહાયક સાબિત થાય.


સૌ ને વેકેશનની શુભેચ્છાઓ.

Comments